રેટિંગ ડાઉનગ્રેડનો ડર : કોર્પોરેટ ક્ષેત્ર રીસ્ટ્રકચરીંગ યોજનાથી દૂર


રિઝર્વ બેંકના આદેશ મુજબ બેંકોએ કોરોના મહામારીથી પ્રભાવિત કંપનીઓની લોનમાં રાહતની નીતિનો એટલે કે લોન રિસ્ટ્રકચરીંગ યોજનાનો અમલ તો કરી દીધો છે. પરંતુ આ યોજનાનો લાભ લેવાથી જે તે કંપનીના રેટિંગ પર પ્રતિકૂળ અસર થવાની ભીતિથી કોર્પોરેટ ક્ષેત્ર આ યોજનાથી દૂર રહે છે.

બેકિંગ ક્ષેત્રના સુત્રોના જણાવ્યા મુજબ કોરોના મહામારી બાદ મધ્યસ્થ બેંકના આદેશ મુજબ લોન રિસ્ટ્રકચરીંગ યોજના હાથ ધરવામાં આવી છે. પરંતુ, નાની-મોટી તમામ કંપનીઓ આ યોજનાથી તેમના રેટિંગ પર પ્રતિકૂળ અસર થવાની ભીતિથી આ યોજનાનો લાભ લેવા ખચકાય છે. ઉપલબ્ધ માહિતી મુજબ દેશની બીજા ક્રમાંકિત સરકારી બેંક પીએનબીને અત્યાર સુધી લોન રિસ્ટ્રકચરીંગ માટે ૧૫ કંપનીઓ તરફથી જ અરજી મળી છે. જેનું મૂલ્ય માંડ રૂ. ૨૦૦૦ કરોડ આસપાસ થાય છે.

બેંકના ટોચના અધિકારીઓને એવું અનુમાન હતું કે રૂ. ૪૦૦૦૦ કરોડની લોન રિસ્ટ્રકચર થશે. પરંતુ, પ્રર્વતમાન સ્થિતિ જોતા આ અંદાજથી અડધી રકમનું રિસ્ટ્રકચરીંગ થાય તેવી વકી છે. લોન રિસ્ટ્રકચરીંગ યોજના હેઠળ બેંકો દ્વારા લોન લેનાર કંપનીઓને લોન ચૂકવણીના સમયમાં ફેરફાર કરીને તેને લંબાવી આપવામાં આવે છે. કેટલાક કિસ્સામાં વ્યાજ પણ માફ કરવામાં આવે છે. રિઝર્વ બેંક દ્વારા કોરોના મહામારીથી અસરગ્રસ્ત કંપનીઓને બે વર્ષનો સમય આપવાની જોગવાઈનો અમલ કરાયો છે. આમ છતાંય કોર્પોરેટ ક્ષેત્ર આ કવાયતથી દૂર છે.

કોર્પોરેટ ક્ષેત્રના સુત્રોના જણાવ્યા મુજબ લોન રિસ્ટ્રકચરીંગથી નાણાંકીય મોરચે રાહત જરૂર થાય છે. પરંતુ આ પ્રક્રિયાથી રેટિંગ ડાઉનગ્રેડનો ખતરો ઉભો થાય છે. ડાઉનગ્રેડના કારણે ઉદ્ભવેલ પ્રતિકૂળતાની અસર બે વર્ષ સુધી રહે છે. કારણ કે રેટિંગ એજન્સીઓ લોન રિસ્ટ્રકચરીંગના લંબાયેલા સમય સુધી રેટિંગમાં ફેરફાર કરતી નથી. આગામી સમયમાં જે તે કંપનીની નાણાંકીય સ્થિતિમાં સુધારો થાય તો પણ રેટિંગનો ડાઉનગ્રેડ જ રહે છે. આ કારણથી જ કંપનીઓ આ પ્રક્રિયાથી દૂર રહે છે.

બેકિંગ ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા મુજબ કોર્પોરેટ લોન રીસ્ટ્રકચરીંગ યોજનાનો લાભ લેવા માટે નાના અને મધ્યમકદના ઉદ્યોગો (એસએમઇ) બેંકો સાથે વાટાઘાટો કરી રહ્યા છે. આ મુદ્દે હાલ ચાલી રહેલ કવાયતને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો ડિસેમ્બર ૨૦૨૦ના અંત સુધીમાં એસએમઇ ક્ષેત્રમાંથી રૂ. ૬૦૦૦ કરોડની લોનનું રિસ્ટ્રકચરીંગ થવાની સંભાવના છે. જો કે, લિસ્ટેડ કંપનીઓ આ કવાયતથી દૂર રહે તેવી સંભાવના છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35aZAQn
via Latest Gujarati News

Post a Comment

0 Comments